
આમ તો પુસ્તકનું નામ જ બધું કહી દે છે કે પુસ્તકમાં શું છે અને તમને એ કઈ રીતે મદદરૂપ થવાનું છે.
છતાં, થોડીક વાતો જે જરૂરી લાગે છે એ કહું. છેલ્લા વીસેક વર્ષથી પ્રેક્ટિસ કરું છું. કેટલાયે લોકોના સંપર્કમાં આવવાનું થયું છે. દરરોજ દોઢસો જેટલા પેશન્ટ તો હોસ્પિટલ પર આવતા હોય, રસ્તે કે કોઈ પ્રસંગમાં કોઈને કોઈ મળે અને પોતાની તકલીફો વિશે પૂછે કે વાત કરે એ તો અલગ. આ બધામાં એક કોમન બાબત ધ્યાનમાં આવી. રોગ સાવ સામાન્ય હોય અને છતાં લોકો હજારો-લાખો રૂપિયા મોંઘી દવાઓ અને હોસ્પિટલોમાં ખર્ચી નાખે છે, જ્યારે એ જ રોગોનો ઉપચાર સાવ સરળ હોય, વળી મોટા ભાગે તો ઘરે બેઠા જ થઈ જતો હોય છે અથવા તો સામાન્ય આયુર્વેદિક દવાઓથી સારું થઈ જતું હોય છે. પણ, એવું કોઈ કરતું નથી? કારણ માત્ર એક, સચોટ માહિતીનો અને આયુર્વેદ પરના વિશ્વાસનો અભાવ.
જ્યારે મોટાભાગના લોકોમાં આ સ્થિતિ અમને દેખાણી ત્યારે થોડીક પીડા તો થઈ. આપણા ઋષિમુનિઓ દ્વારા પ્રસ્થાપિત આયુર્વેદનું અદભૂત જ્ઞાન આપણી પાસે છે, છતાં લોકો કેમ આના તરફ કેમ નજર નથી કરતા? કેમ એનો લાભ લેતા નથી? કેમ ખોટા ખર્ચ અને બિનજરૂરી ઉપચારોમાં અટવાય જાય છે? ઘણા કારણો છે જે આ પુસ્તક વાંચતા તમને ખ્યાલમાં આવશે. મૂળ વાત, અમારી આ પીડાનું પરિણામ આ પુસ્તક રૂપે આવ્યું છે.
અમે પ્રયત્ન કર્યો છે કે આજ સુધીનો અમારો અનુભવ આ પુસ્તકમાં ઉતરે. અમને ઈશ્વરે જે કંઈ આપ્યું છે એ અમે વહેંચી શકીએ. સૌને ઉપયોગી બની શકીએ.
આ પુસ્તકનો હેતુ ‘ઘરેલું નુસખા’ આપવાનો નથી, પણ આયુર્વેદના સિદ્ધાંતોને આજની વ્યસ્ત અને આધુનિક જીવનશૈલીમાં કેવી રીતે સરળતાથી વણી શકાય તે બતાવવાનો છે. આયુર્વેદની સમજ, પ્રકૃતિની ઓળખ, દિનચર્યા, ઋતુચર્યા, આહાર વિષેની સમજ, રોજિંદા રોગો માટેના ઉપાય, અને ખોટી માન્યતાઓનું વિજ્ઞાન આધારિત સ્પષ્ટીકરણ... આ બધું પુસ્તકમાં સમાવવામાં આવ્યું છે.
બસ, આ પુસ્તક ઘરમાં રાખો, અભ્યાસ કરો, એમાં અપાયેલ બેઝિક નિયમોનું પાલન કરો અને પછી જુઓ કેવો જાદુ થાય છે. સ્વાસ્થ્ય શું છે અને એ હોય ત્યારે જીવન જીવવાની કેવી મોજ પડે છે એ અનુભવશો...
